સાંસ્કૃતિક કાર્યક્રમ -વર્તમાન

0 Comments

સાંસ્કૃતિક કાર્યક્રમ: તા.૫ જાન્યુઆરી

  • વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત - તા.૫ જાન્યુઆરી ૨૦૨૪, ઠાકોર દેસાઈ હૉલ, લૉ ગાર્ડન પાસે.

 

સાંસ્કૃતિક કાર્યક્રમો શારદામંદિરની આદ્ય પ્રવૃત્તિ છે. Cultural program & performance, is a Signature Activity of Shardamandir.

 

અહેવાલ: વર્તમાન વિદ્યાર્થીઓ પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૫-૧-૨૦૨૪

શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે શારદામંદિરના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં તા. ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં એવી જૂજ શાળાઓ છે, જે તેમની સ્થાપના બાદ સો વર્ષ પૂર્ણ કરતી હોય. ખૂબ આનંદની વાત છે કે આપણી શાળા શારદામંદિર તેમાંની એક છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે આપણી શાળા સો વર્ષ પૂરા કરી રહી છે. વર્ષ ૧૯૨૪ને શ્રાવણ સુદ સાતમ, ગુરુવારના વિશેષ દિવસે, શિક્ષણપ્રેમી એવા આપણા સ્થાપકશ્રીઓએ શારદામંદિર શાળાની સ્થાપના કરી હતી અને જ્ઞાન પીરસવાનો આ મહાયજ્ઞ શરૂ કર્યો હતો.

શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન યોજાયેલા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનો એક કાર્યક્રમ શુક્રવાર, તા. ૫ જાન્યુઆરીના રોજ હતો. શારદામંદિર શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ વિભાગો જેવા કે, બાલમંદિર, શિશુમંદિર, વિનયમંદિર, મોડર્ન સ્કુલ, મોડર્ન હાઈસ્કુલ વગેરેમાં ભણી રહેલા વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા લો ગોર્ડન ખાતે આવેલ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમ અગાઉ લગભગ ત્રણેક મહિનાથી જુદા જુદા વર્ગના અનેક વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ પરફોર્મન્સની પ્રેક્ટીસમાં રત થઈ ગયા હતાં. શાળાના શિક્ષણકાર્યને અસર ન થાય એ રીતે સમય અનુસાર વિદ્યાર્થીઓએ આશરે એકત્રીસ પરફોર્મન્સની પ્રેક્ટીસ અલગ અલગ જૂથમાં શરૂ કરી હતી.

સમગ્ર કાર્યક્રમ બે ખંડમાં વહેંચવામાં આવ્યો હતો. સવારે નવ વાગ્યાથી બાર વાગ્યાનો સમય બાલમંદિર અને ધોરણ ૧ થી ૫ ના બાળકોના પરફોર્મન્સ માટે ફાળવવામાં આવ્યો હતો. અને મધ્યાંતર બાદ સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીના સમયમાં ધોરણ ૬ થી ૧૨ ના બાળકો પોતાના પરફોર્મન્સ રજૂ કરવાનું નક્કી કર્યું હતું. કાર્યક્રમ નિહાળવા માટે વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

પાંચમી જાન્યુઆરીની સવારે કાર્યક્રમની ત્રીસ મિનીટ અગાઉ સૌ શિક્ષકો, બાળકો, વ્યવસ્થાપન સમિતિના વડીલો અને વાલીઓ લોગાર્ડન ખાતે આવેલ ઠાકોરભાઈ હોલમાં ઉપસ્થિત થયા હતાં. બરાબર નવ વાગે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના સ્થાપક શ્રી ભોગીભાઈના પૌત્રી શ્રી રુદ્રાબેન અને શાળાના કાર્યાલયના કર્મચારીઓ શ્રી નાથુભાઈ, શ્રી સંગીતાબેન અને શ્રી પ્રણવભાઈ દ્વારા દીપ પ્રાગટ્યની પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય વખતે પ્રાસંગિક ઉદબોધન કરતાં, યુ.એસ.એ.થી આવેલા રુદ્રાબહેને શાળાના સંસ્થાપકો સાથે વીતાવેલા પોતાના બાળપણને સ્મર્યું હતું અને લાગણીવશ તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સંગીત શીક્ષીકા અને વિદ્યાર્થીનીઓ દ્વારા સમધુર સ્વરમાં શ્લોક અને પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ ખંડમાં નીચેના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં.

- ઋતુ પ્રમાણે ઉત્સવ-ગીતો:

આશરે સાત મિનીટના આ દીર્ઘ કાર્યક્રમમાં બાલમંદિરના તમામ બાળકોએ ભાગ લીધો હતો અને આખાય વર્ષ દરમ્યાન આપણા બાલમંદિરમાં ઉજવાતા તમામ તહેવારોની તેમાં ઝાંખી કરાવવામાં આવી હતી. રંગબેરંગી પોષાક પહેરી સાવ નાના બાળકોએ તેમાં ભાગ લીધો હતો. પ્રથમ વખત સ્ટેજ પર હોવા છતાં આશરે સાતસોથી વધુ પ્રેક્ષકો સમક્ષ, દરેક બાળકે ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ પીરસ્યો હતો. પરફોર્મન્સ દરમ્યાન પ્રેક્ષકોમાં બેઠેલ પોતાના માતા પિતો શોધતી કેટલાક બાળકોની નિર્દોષ આંખોએ સાચે જ ખૂબ મધુર દૃશ્ય ઊભું કર્યું હતું.

- બાળગીત:

શારદામંદિર શાળા પાસે બાળગીતોનો એક સમૃદ્ધ વારસો રહેલો છે. અંગ્રેજી માધ્યમના ધોરણ ૧ થી ૩ ના બાળકોએ શાળામાં ગવાતા બાળગીતોની સંગીતમય રજૂઆત કરી હતી.

- ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૧ થી ૩ ના વિદ્યાર્થીઓ દ્વારા બાળગીત - ‘મારા પ્રભુ તો નાના છે, દુનિયભરના રાજા છે... ' રજૂ કર્યું હતું. સૌ પ્રેક્ષકોએ પોતાના શાળા દરમ્યાન નિયમિત રીતે ગાયેલા આ ગીતની સ્મૃતિઓ તાજી કરી હતી.

- નાટક ‘ઝમકુડી’:

અંગ્રેજી માધ્યમના ધોરણ-૫ ના વિદ્યાર્થીઓ દ્વારા ‘ઝમકુડી કામ કરે છે...' નાટક ભજવવામાં આવ્યું હતું. નાટકનો ધ્યેય સ્વાશ્રય, એ પરિશ્રમનું મહત્વ દર્શાવવાનો હતો. આપણા રોજીંદા કાર્યો માટે જો આપણે અન્ય પર આધારિત રહીએ તો તેનું કેવું પરિણામ આવે તે વસ્તુસ્થિતિને નાટક દ્વારા રજૂ કરવામાં આવી હતી. સૌ બાળકો અને વાલીઓ આ નાટક દરમ્યાન પેટ પકડીને હસ્યા હતાં.

- વિવિધતામાં એકતા:

ભારત વિવિધતાનો દેશ છે. જુદા જુદા ભારતીય પ્રદેશોની વેશભૂષા અને સંસ્કૃતિની સંગીતમય રજૂઆત આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી. અંગ્રેજી માધ્યમના ધો.૧ થી ૩ ના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરીને જે તે ભારતીય પ્રદેશોના પ્રાદેશિક ગીત સંગીત પર પરફોર્મન્સ આપ્યું હતું.

- નાતાલ ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૩ ના બાળકોએ નાતાલનું સુંદર અભિનય ગીત રજૂ કરીને સર્વધર્મ સમભાવનો સંદેશ રજૂ કર્યો હતો.

- શાકભાજીનું અભિનય ગીત:

અંગ્રેજી માધ્યમના ધોરણ ૪ ના વિદ્યાર્થીઓએ જુદા જુદા શાકભાજીનો પહેરવેશ ધારણ કરીને એક અભિનય ગીત રજૂ કર્યું હતું, જેના દ્વારા આપણા ખોરાકમાં શાકભાજીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

- એકપાત્રીય અભિનય:

ગુજરાતી માધ્યમની ધોરણ ૨ માં અભ્યાસ કરતી નાનકડી દીકરીએ અહલ્યાબાઈનો એકપાત્રીય અભિનય કરી પોતાની સુંદર વાકછટાથી સૌના મનમાં દેશપ્રેમ અને જોશ ભરી દીધો હતો.

- અભિનય ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૫ ના બાળકો દ્વારા ‘પીળો પતંગ મારો પીળો પતંગ....' ગીતની પતંગ હાથમાં રાખીને અભિનય સાથે સુંદર રજૂઆત કરવામાં આવી હતી.

- રાસ:

આપણી શાળામાં ગરબા અને રાસ એક ખૂબ લોકપ્રિય સાંસ્કૃતિક માધ્યમ રહ્યું છે. ‘મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો શ્યામ....’ ગીત પર અંગ્રેજી માધ્યમના ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓએ રાસ રજૂ કર્યો હતો.

- ગરબો:

ગુજરાતી માધ્યમના ધોરણ ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા ‘ઓ રંગ રસિયા....’ ગીત પર સુંદર ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.

- ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા, પ્રચલિત ગીત ‘ગોતી લો...' ની રમઝટ બોલાવવામાં આવી હતી.

સૌ પ્રેક્ષકોએ તમામ પરફોર્મન્સને મનભરીને માણ્યા હતાં. ભોજનના વિરામ બાદ ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓએ બપોરે ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમય દરમ્યાન નીચેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં.

- ભરતનાટ્યમ:

કાર્યક્રમની શરૂઆતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પગમાં બાંધેલ ઘૂંઘરુંના ધ્વનિ અને પગની થાપથી સમગ્ર હોલ ગૂંજી ઉઠ્યો

હતો.

- નાટક:

ગુજરાતી માધ્યમના ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તમામ પ્રેક્ષકો વીરરસમાં તરબોળ થઈ ગયા હતાં.

- ઘૂમર નૃત્ય અને ગરબો:

ગુજરાતી માધ્યમની ધોરણ ૬ ની વિદ્યાર્થીનીઓએ ઘૂમર નૃત્ય અને ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓએ સુંદર ગરબો રજૂ કર્યો હતો.

- હીપહોપ ડાન્સ:

અંગ્રેજી માધ્યમના ધોરણ ૭ ના વિદ્યાર્થીએ દેશભક્તિના ગીત ઉપર હીપહોપ ડાન્સ રજૂ કર્યો હતો. આ દરમ્યાન વિદ્યાર્થીની ગજબની ઝડપ અને સમતોલતાએ સૌનું મન મોહી લીધું હતું.

- આર્મી ડાન્સ:

અંગ્રેજી માધ્યમના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનને રજૂ કરતું એક અભિનય ગીત રજૂ કર્યું હતું. ઘણા પ્રેક્ષકોએ આ સમયે દેશ પ્રત્યેની ખુમારીભર્યા આંસુ અને નૃત્યને નિહાળ્યું હતું.

- સમૂહ ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓએ ભારત વિકાસ પરિષદમાં રજૂ કરેલ ગીતની પ્રસ્તુતિ કરી હતી.

- નૃત્ય:

અંગ્રેજી માધ્યની ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓએ ‘રણછોડ રંગીલા....’ ગીત પર જોશીલું નૃત્ય રજૂ કર્યું હતું.

- અભિનય ગીત:

અંગ્રેજી માધ્યમની ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓએ મહાભારતના શીર્ષક ગીત ઉપર સુંદર ગીત અને અભિનય રજૂ કર્યો હતો.

- મ્યુઝિકલ બેન્ડ:

સંગીત શિક્ષિકાના નેતૃત્વ હેઠળ જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ હાર્મોનિયમ, કેસિયો, વાંસળી, મંજીરા, તબલા વગેરે વાજિંત્રો સાથે ‘અચૂતમ કેશવમ....' ગીતની સુમધુર રજૂઆત કરી હતી.

- લોકગીત:

ગુજરાતી માધ્યમની ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકગીત ‘ગીરી પૂનમ'ની રજૂઆત કરવામાં આવી હતી.

- અભિનય નૃત્ય:

અંગ્રેજી માધ્યમની ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનીએ ‘સુનો ગૌર સે દુનિયાવાલો...’ ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું.

- મ્યાન મૃત્ય:

અંગ્રેજી માધ્યમના ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓએ હાથમાં મ્યાન ધારણ કરી એક જોશીલા ગીત ઉપર નૃત્ય રજૂ કર્યું હતું.

- લોકગીત:

ગુજરાતી માધ્યમની ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ....' ગીત ગાઈને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.

- ગીટાર:

અંગ્રેજી માધ્યમની ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનીએ ગીટારના સુંદર સાજ પર મેલોડી ગીતો વગાડી પ્રેક્ષકોને ઝુમવા મજબુર કરી દીધા હતાં.

- કરાઓકે ગીત:

ગુજરાતી માધ્યમના ધોરણ ૬ ના વિદ્યાર્થીએ પોતાના મધુર કંઠમાં ‘જીના યહાં મરના યહાં....' ગીત ગાઈને સૌને ડોલાવ્યા હતાં.

- ગરબો:

ગુજરાત માધ્યમની ધોરણ ૯ અને ૧૧ની વિદ્યાર્થિનીઓએ આપણી શાળાનો ખૂબ પ્રચલિત ગરબો ‘એવા આવે છે શારદાના...’ રજૂ કર્યો હતો.

- ભવાઈ:

કાર્યક્રમના અંતમાં અંગ્રેજી માધ્યમના શિક્ષકમિત્રોએ રંગલા અને રંગલીના પરિધાનમાં ભવાઈ રજૂ કરીને ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિ, અને તેમાં રહેલા તફાવતે હૂબહૂ રજૂ કર્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન આપણી શાળાના શિક્ષિકા શ્રી વનિતાબેન પટેલે ખૂબ સુંદર રીતે સમયસર પા૨ પાડ્યું હતું. મેનેજમેન્ટ અને ટ્રસ્ટી મંડળના વડીલશ્રીઓએ કાર્યક્રમમાં હાજર રહીને સૌ બાળકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાઉન્ડ અને ઓડિયો- વિડીયો રેકોર્ડીંગની જવાબદારી શ્રી રુષયભાઈ અને શ્રી હિલ્પનભાઈએ નિભાવી હતી. શિક્ષણ અને આપણી શાળા પ્રત્યેની અથાગ લાગણી કારણે આખાય દિવસ માટે ઠાકોરભાઈ દેસાઈ હોલ ‘સ્પોન્સર’ કરવા બદલ શ્રી ક્ષિતિજભાઈ મદનમોહનનો શાળા હૃદયપૂર્વક આભાર માને છે.

શારદામંદિર શાળાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા આ સફળ કાર્યક્રમને સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કર્મચારીગણે મનભરીને માણ્યો હતો. સૌ એક અવિસ્મરણીય સાંજને મનમાં સમાવી છૂટા પડ્યા હતાં.

- સાકેત દવે (શારદામંદિર મોડર્ન સ્કૂલના આચાર્ય તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી)

Related Posts