સ્વયંપાક Shardamandir Masterchef

0 Comments

સ્વયંપાક Shardamandir Masterchef

સ્વયંપાક: તા.૬-જાન્યુઆરી-૨૦૨૪, બપોરે ૪ વાગ્યાથી, Venue: શારદામંદિર

સ્વયંપાક – એ શારદામંદિરની આદ્ય પ્રવૃત્તિ છે. Swayampak is a Signature Activity of Shardamandir.

 

અહેવાલ: સ્વયંપાક. તા.૬-૧-૨૦૨૪

 

સ્વયંપાક એ શારદામંદિરની ઘણી જૂની અને આગવી પરંપરા છે. કેળવણીના ભાગરૂપે પાકશાસ્ત્ર, પોષક આહારનું મહત્વ અને સામૂહિક ભોજનનો ત્રિવેણી સંગમ એટલે શારદામંદિરના સ્થાપના દિને ઉજવવામાં આવતો ‘સ્વયંપાક.’ પ્રતિવર્ષ દરેક વર્ગની ટુકડીઓ દ્વારા જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી અને બધા ભેગા મળીને એનો આનંદ માણતા. હાલ શારદામંદિરના શતાબ્દી પર્વની ઉજવણીમાં, આપણી શાળાની આગવી ઓળખ સમી આ પ્રવૃત્તિનો સમાવેશ પણ કરવામાં આવ્યો.

વર્ષોથી ઉજવાતો આપણો સ્વયંપાકનો ઉત્સવ, અદ્યતન ‘શારદામંદિર-માસ્ટરશેફ’ના નવીન સ્વરૂપે, તા.૬-૧-૨૦૨૪ ને શનિવારના રોજ, શાળાના પ્રાંગણમાં ગોઠવવામાં આવ્યો.

ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અને વર્તમાન શિક્ષિકા બહેનો, એમ મળીને કુલ ૨૮ બહેનોની બનેલી ૬ ટુકડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો. ૬ ટુકડીઓના નામ મહત્ત્વના ૬ રસ – મધુર (Sweet), ખાટો (Sour), ખારો (Salty), કટુ (Bitter), તૂરો (Astringent), તીખો (Pungent) – પરથી આપવામાં આવ્યા હતા. દરેક ટુકડીમાં એક બહેનને લીડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. શાળાના મેદાનમાં તંબૂ જેવા બનેલા ૬ વિશાળ સ્ટોલમાં, દરેક સ્પર્ધક ટુકડીને રસોઈમાં વપરાતી લગભગ તમામ સામગ્રીઓની કીટ આપવામાં આવી. આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને ઈટીવી રસોઈ-શો માં ખૂબ જ પ્રખ્યાત શેફ પૂર્વાબેન મહેતા, આ સ્પર્ધામાં જજ રહ્યા.

બપોરે ચાર વાગ્યે સ્પર્ધા શરૂ થતા પહેલા, આપણી શાળાના સ્થાપક ભોગીભાઈ ઠાકરના પૌત્રી રુદ્રબહેન દવેએ સ્વયંપાક સાથે સંકળાયેલી પોતાની મીઠી યાદો વહેંચી. મુખ્ય મહેમાન શ્રી આશાબહેન (દવે) રાવલ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે ન આવી શક્યા પણ તેમણે તેમના આશીર્વચનો, અમીબેન રાવલ થકી સૌને સંભળાવ્યા અને આમ સ્પર્ધાની શરૂઆત થઈ.

તમામ સ્પર્ધક ટુકડીને મોબાઇલ જમા કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો. તેમણે શું બનાવવાનું છે તે, તે જ સમયે કહેવામાં આવ્યું, જે એક ચેલેન્જ હતું! સ્પર્ધકોને એક ફરસાણ અને એક મીઠાઈનો કોમ્બો બનાવવાનો, અને માત્ર બે કલાકમાં તૈયાર કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો. તે સમયગાળા દરમિયાન, નિર્ણાયક પૂર્વાબેનની ચકોર નજર દરેક ટુકડી પર રહેતી -તે સાથે, સ્પર્ધકની તકલીફ ઉકેલવા માટે શતાબ્દી ટીમના સભ્યો હાજર હતા.

વાનગીના પ્રેઝન્ટેશન, ગુણવત્તા, બનાવવાની રીત, નાવીન્ય, સ્વાદ,  વ્યવસ્થા, ચોખ્ખાઈ, વધુ વપરાશ કે વધુ બગાડ, skills વગેરે પરિમાણના આધારે, ટીમ લીડર ધ્વનીબેનની સ્પર્ધક ટુકડી વિજેતા નીવડી જ્યારે ટીમ લીડર જ્યોતિબેન શાહની સ્પર્ધક ટુકડી, રનર અપ રહી. તમામ સ્પર્ધકોએ બે કલાકમાં ખૂબ સુંદર વાનગીઓ તૈયાર કરી અને પ્રોફેશનલ ઢબે રજૂ કરી હતી. વિજેતા બે ટીમને ઈનામો અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.

સ્પર્ધા ચાલુ હતી, તે બે કલાકના સમયગાળા દરમ્યાન, ભૂતપૂર્વ વિદ્યાર્થી આલાપ શાહે તૈયાર કરેલ રસપ્રદ ફન-ફૂડ-ક્વિઝમાં હાજર રહેલા તમામ પ્રેક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમને તમામ રીતે મદદરૂપ થવા માટે શાળા મુલતાની પરિવારનો આભાર માને છે. રસોઈ માટે વાસણો વગેરેની વ્યવસ્થા કરી આપવામા વર્ષ ૧૯૭૨ બેચની વિદ્યાર્થિનીઓનો પણ ખૂબ આભાર. તે ઉપરાંત, નાની-મોટી દરેક જરૂરિયાત પૂરી કરી આપવામાં શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનો તથા ઓફિસ સ્ટાફનો ખૂબ આભાર, કે જેમના સહકાર થકી આ કાર્યક્રમ સફળ રહ્યો.

ખૂબ જ મહેનત માંગી લે, એવા આ સ્વયંપાકના કાર્યક્ર્મનું સુંદર આયોજન મેઘનાબહેન મહોરાવાલા, પૂર્વાબહેન મહેતા અને રૂપલબહેન મહેતાએ, શતાબ્દી કાર્યક્રમની ટીમના સહકાર દ્વારા કર્યું હતું. તેને સફળ બનાવવા બદલ, તે સાથે સંકળાયેલા દરેકનો તથા ભાગ લેનારા સહુ કોઈનો આભાર અને ખૂબ ખૂબ અભિનંદન.

 

– આલાપ શાહ (ભૂતપૂર્વ વિદ્યાર્થી)

Related Posts