ગુરુવંદના (guruvandana)

0 Comments

ગુરુવંદના

  • તા.૩-સપ્ટેમ્બર-૨૦૨૩
  • સવારે ૮.૩૦ વાગ્યે
  • Venue: શારદામંદિર

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥

શતાબ્દી વર્ષ નિમિત્તે શારદામંદિર શાળામાં ઉજવવામાં આવેલ ગુરુવંદનાનો કાર્યક્રમ

વિદ્યાર્થી માટે ગુરુ સદાય વંદનીય અને અભિનંદનીય હોય છે. શારદામંદિર શાળાની સ્થાપનાના સો વર્ષમાં અનેક ગુરુઓએ હજારો વિદ્યાર્થીઓનું ઘડતર અને ઉછેર કર્યું છે. આજે શારદામંદિરના વિદ્યાર્થીઓ વિશ્વના અનેક સ્થળોએ કાર્યસિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. શાળાજીવનમાં ગુરુ દ્વારા સિંચવામાં આવેલ સંસ્કાર અને જ્ઞાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શારદામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકદિનના બે દિવસ અગાઉ તા. 3 સપ્ટેમ્બર, 2023ને રવિવારના રોજ શાળાના આંગણે “ગુરુ વંદના”ના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

રવિવારની આ ખુશનુમા સવારે આઠ વાગ્યે આમંત્રિત અઢીસોથી વધુ ગુરુજનો તથા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે શાળાનો ઘંટ વગાડીને કરવામાં આવી હતી. ઘંટનો ધ્વનિ એ સમયે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્મૃતિનો મીઠો રણકાર બની રહ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે શ્રી માલાબેને પ્રખ્યાત સાયકોલોજીસ્ટ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. શ્રી પ્રશાંતભાઈ ભીમાણીને કાર્યક્રમનું સંચાલન પોતાના હાથમાં લેવા વિનંતી કરી.

પ્રશાંતભાઈ ભીમાણીએ કાર્યક્રમની શરૂઆત કરતા જણાવ્યું કે સૌ ગુરુજનો એ સન્માનનીય ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની પ્રતિકૃતિઓ છે. શાળાની પરમ્પરા અનુસાર કાર્યક્રમની વિધિવત શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. પૂર્વીબેન શાહ અને તોરલબેન શેઠ દ્વારા “યા કુંદે…” અને “ગુરુર બ્રહ્મા…” શ્લોકની સ્વરમય રજૂઆત દ્વારા સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ “હે શારદે મા…” અને સર્વધર્મ પ્રાર્થના “ઓમ તત્ તત્ શ્રી નારાયણ તું…”ની ભાવવહી રજૂઆત કરી.

કાર્યક્રમને આગળ વધારતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર એવા શ્રી અમરભાઈ ભટ્ટે કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી “સરોદ” દ્વારા લિખિત “અમને ગુરુ મળ્યા છે ગરવા…” ગુરુવંદનાની પ્રસ્તુતિ કરી સૌ શ્રોતાઓને સંગીતમાં રસતરબોળ કર્યા.

કાર્યક્રમના આયોજનની જવાબદારી જેમણે સુપેરે પોતાના શિરે લીધી હતી તેવા શ્રી માલાબેન ગાંધીએ ત્યારપછી સૌ ગુરુજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શબ્દોથી સ્વાગત કર્યું અને ‘બાલમંદિરમાં પીવડાવવામાં આવતા લીમડાના રસ’, ‘પ્રગતિ નોંધ’, ‘તાલીમમાંથી પહેલા ધોરણમાં જતા સમયનું ફેરવેલ’, ‘શાળાના તોફાનો’, ‘શાળાના પ્રવાસો’, ‘સમાનતાની ભાવના’ વગેરે પ્રસંગોની સ્મૃતિઓ સૌ સાથે વાગોળી.

ત્યારબાદ શ્રી રોનકભાઈ શોધને સ્વરચિત કાવ્યાત્મક ભાષામાં ગુરુજનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરતું સુંદર વક્તવ્ય રજૂ કર્યું અને કાવ્યકંકુથી ગુરુજનોને તિલક કર્યું. આ પ્રસંગે શ્રી પ્રશાંતભાઈ ભીમાણીએ ત્રેવીસ ઓગસ્ટના રોજ શાળાના સોમાં વર્ષમાં પ્રવેશ અને તે જ દિવસે ભારતના ચંદ્રયાન મિશન વચ્ચેના સામંજસ્યને રજૂ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓને જીવનની સફરમાં તૈયાર કરીને વિશ્વફલક પર સોફ્ટ લેન્ડીંગ શીખવવાનું કપરું કાર્ય આપણી શાળામાં છેલ્લા સો વર્ષોથી આ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

કાર્યક્રમને આગળ ધપાવતા શાળાના પૂર્વ આચાર્યો શ્રી વજુભાઈ, શ્રી દિનુભાઈ, શ્રીમતી જ્યોત્સનાબેન શોધન, શ્રીમતી ઉર્મિલાબેન શાહ અને હાલના આચાર્ય શ્રી વિજયભાઈ રાવલનું બહુમાન કરવામાં આવ્યું. સૌ શ્રોતાજનો દ્વારા તાલીઓના ગડગડાટ સાથે આ સન્માનને વધાવવામાં આવ્યું. ત્યારપછી લગભગ અઢીસોની વધુ શિક્ષકોના નામ મંચ પરથી નામ રજૂ કરવામાં આવ્યા અને તમામ શિક્ષકોને શાલ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું. અને, શાળા સમય દરમ્યાન સતત અને ખડેપગે સેવા આપતા સેવક વર્ગને કેમ ભૂલાય? શારદામંદિરના સૌ સેવકોને પણ મંચ પાસે બોલાવી સૌનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે સૌ ગુરુજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તમામ આમંત્રિત મહેમાનોએ એકબીજા સાથે પોતાના શાળા સમયની સ્મૃતિઓ વાગોળતા અલ્પાહારની મજા માણી અને ગુરુવંદનાનાં અભૂતપૂર્વ કાર્યક્રમની મીઠી યાદો લઇ ફરી મળવાના કોલ આપી સૌ એકમેકથી છૂટાં પડ્યાં.

અહેવાલ: 
સાકેત દવે
Principal, Shardamandir Modern School (English Medium)
(ભૂતપૂર્વ વિદ્યાર્થી, batch – 1992)

________________________
ગુરુજનોની યાદી – સર્વે ગુરુજનોને પ્રણામ સાથે.

સહયોગ:
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ – 87, 89, 90 બેચ, C.C. Gandhi Family & Friends