પ્રાતઃપ્રાર્થના (pratah prarthana)

0 Comments

અહેવાલ: પ્રાતઃપ્રાર્થના.

તા.૧૭/૧૨/૨૩ થી ૨૧/૦૧/૨૪

Signature Activity

‘પ્રાતઃપ્રાર્થના’ - એ શારદામંદિરની આગવી ઓળખ છે. વર્ષો પહેલા શરૂ થયેલી આ પરંપરા, તે વખતના વિદ્યાર્થીઓ માટે એક અદભુત અનુભવ હતો. શિયાળાની વહેલી સવારે ૫.૩૦ વાગે બધા વિદ્યાર્થીઓ શાળાએ અચૂક આવી જ જાય અને ત્યારબાદ, મા સરસ્વતીદેવીની આરાધના કરે. માત્ર દીવો જ હોય અને એવી અભૂતપૂર્વ શાંતિમાં સૌ બેસી જાય. ‘સબકો સન્મતિ દે ભગવાન...’ જેવી વૈશ્વિક પ્રાર્થના, માત્ર દિલરુબાના સૂરમાં રેલાય અને વિદ્યાર્થીઓ તેમાં તલ્લીન જાય.

કાર્યક્રમ પત્યા પછી મળતો સીંગ-સાકરીયાનો પ્રસાદ બહુ જ આનંદથી લેવાતો. ત્યારબાદ ઘરે જઈ તૈયાર થઈને સૌ સમયસર ૧૦ વાગે તો શાળાએ આવી જ જતા. જોકે કાળક્રમે સમય અને સંજોગોને લીધે પ્રાતઃપ્રાર્થનાની તે પ્રથા થંભાવી દેવી પડી.

જ્યારે શારદામંદિરના શતાબ્દી વર્ષનું આયોજન કરવાનો વિચાર કર્યો ત્યારે બધાને ફરી એકવાર શારદામંદિરની આગવી ઓળખ એવી પ્રાતઃપ્રાર્થના કરવી એવું નક્કી કર્યું અને તે મુજબ તા.૧૭/૧૨/૨૦૨૩ થી ૨૧/૦૧/૨૦૨૪ દરમિયાન આવતા, દર રવિવારે સવારે ૭-૩૦ વાગ્યે નાના પ્રાર્થનામંદિરમાં પ્રાતઃપ્રાર્થનાનું આયોજન કરવાનું શરૂ કર્યું.

પ્રથમ રવિવાર એટલે કે તા.૧૭/૧૨/૨૦૨૩ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો, બધા ભાવવિભોર થઈ ગયા હતા. પ્રથમ મા સરસ્વતીદેવીને માટે દીપ પ્રગટાવવામાં આવ્યો અને ત્યારબાદ સારંગીના સૂરે તન્મય બનીને ‘વૈષ્ણવજન તો એને રે કહીએ...'ના સૂરો રેલાયા. પછી બધાએ સ્વકંઠે શાળામાં ગવાતી બધી જ પ્રાર્થના સામુહિક સ્વરે ગાઈ, જેમકે ‘યા કુન્દે..... ૐ તત્સત..... સત્ય અહિંસા’ તથા ‘ઈશનું રાજ્ય છે આખું... સમાધિમાં સ્થિતપ્રજ્ઞ...’ વગેરે.

આ પ્રસંગે વિશેષ મહેમાન હતા, ડૉ.રામા રાજુ અને બહેન શ્રી મધુબહેન, જેઓ સ્વામી જ્ઞાનાનંદજીના પરિવારમાંથી આવ્યાં હતાં અને વિશાખાપટ્ટનમ સ્થિત આશ્રમ તરફથી, હાલ યુ.એસ.એ.થી, ખાસ પધાર્યા હતા. કાર્યક્રમ પછી તેમણે શારદામંદિરના સ્થાપકો, શ્રી ભોગીભાઈ ઠાકર વિશે તેમજ ભોગીભાઈના ગુરુદેવ, સ્વામી જ્ઞાનાનંદ વિશે વાત કરી હતી કે સ્વામી જ્ઞાનાનંદ, શિક્ષણના તીવ્ર આગ્રહી, વિદ્વાન મહાઋષિ અને અવધૂત હતા, જેમણે યુવાવયે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. હિમાલયમાં થયેલા પોતાના અનુભવોને આધારે તેમણે ‘પૂર્ણ સૂત્ર’ ગ્રંથ લખ્યો હતો, જેની ગણના એક ‘માસ્ટરપીસ’ તરીકે થાય છે. આ ગ્રંથ પ્રકાશિત કરવા અને હિંદુ ધર્મના પ્રચાર માટે તેઓ યુરોપ ગયા હતા, અને વિદ્વતાને કારણે તેઓ ન્યુક્લીયર સાયન્ટીસ્ટ બન્યા હતા. ડૉ.રામા રાજુએ, સ્વામી જ્ઞાનાનંદજીની આત્મકથા ‘ધ સેન્ટ એન્ડ સાયન્ટીસ્ટ’માંથી કેટલુંક વાંચ્યું, કે શારદામંદિરના સ્થાપક શ્રી ભોગીભાઈ, માઉન્ટ આબુમાં સ્વામીજીને નીલકંઠ મહાદેવના સ્થળે કેવી રીતે મળ્યા હતા.

તા.૧૭ પછીના દરેક રવિવારે, ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અચૂક સવારે ૭-૩૦ વાગે આવી જતા અને પ્રાતઃપ્રાર્થનાનો લ્હાવો લેતા અને પાછો એ વર્ષો પહેલા મળતો સીંગ-સાકરીયાનો પ્રસાદનો લાભ પણ લેતા જ હતા.

જ્યારે તા. ૨૧/૦૧/૨૦૨૪એ છેલ્લી પ્રાતઃપ્રાર્થના હતી, ત્યારે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક જ ઈચ્છા હતી કે આ પ્રથા ચાલુ રાખીએ, પણ વર્તમાન સંજોગોને આધીન ૨૧મીએ છેલ્લી પ્રાતઃપ્રાર્થના કરી. ત્યાર બાદ શાળાના આંગણામાં, ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનોએ ઓફિસ પાસેના ઝાડની ફરતે ‘એવા આવે છે શારદાના બાળ રે... ' ગરબો મોઢેથી ગાઈને ગરબા રમવાની ખૂબ મજા કરી. ત્યારબાદ બધા છૂટા પડતા કહેતા ગયા કે આવતા વર્ષે ફરી આપણે અહીં જ આજ રીતે મળીશું..!

આ પ્રાતઃપ્રાર્થનાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો તો આભાર માનીએ જ છીએ, પણ સરસ રીતે આયોજન કરવા માટે શાળામાં પધારેલા મહેમાનો, શાળાના સંચાલકો, શિક્ષકો, ઓફિસના સભ્યો અને સવારે વહેલા આવીને બધી વ્યવસ્થા કરવા માટે આચાર્યશ્રી વિજયભાઈ રાવલ સાહેબ, શ્રી સાકેતભાઈ દવે, શ્રી નાથુભાઈ મનાણી, શ્રી સંગીતાબહેન તથા શ્રી પ્રણવભાઈનો ખાસ આભાર.

- માલા ગાંધી (ભૂતપૂર્વ વિદ્યાર્થી)

 

Related Posts