સ્થાપનાદિન (Sthapanadin)

0 Comments

સ્થાપનાદિન

તા.૨૩-ઓગસ્ટ-૨૦૨૩  - સવારે ૮:૩૦ વાગ્યે, શારદામંદિર. 

  • બાલરથીનું પૂજન
  • આદ્યસ્થાપકોનું સન્માન

સ્થાપનાદિન: શારદામંદિરનો એકસોમા વર્ષમાં પ્રવેશ - શ્રાવણ સુદ સાતમના રોજ શતાબ્દી વર્ષની ઉજવણી. Centennial Celebrations have started. Shardamandir has entered 100th year, on 23-08-2023.

મા શારદાની કૃપાથી આપણી શાળા શારદામંદિર, આ વર્ષના શ્રાવણ સુદ સાતમે, તા.૨૩--૦૮-૨૩ના રોજ, એકસોમા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. આ પ્રસંગે, વર્તમાન વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ, મેનેજમેન્ટના સભ્યો, આમંત્રિત મહેમાનો, તથા જુદા જુદા વર્ષના (બેચના) ૧૨૦૦ - બારસોથી પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેલાં સૌ કોઈની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ.

મહેમાનોનું સ્વાગત NCC Cadets દ્વારા થયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ, તે પછી પરંપરાગત બાળરથ, કૂચ અને મા શારદનો ગરબો રજૂ થયો, જેમાં વર્તમાન વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો. કાર્યક્રમને સૌએ ફુગ્ગા ઉડાડીને, હર્ષનાદની ચિચિયારીઓ તેમજ તાળીઓના ગડગડાટથી ગજાવી દીધો.

સંસ્થાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈએ આદ્ય સ્થાપકોના ગુરુદેવ પૂ.જ્ઞાનાનંદજીના સેન્ટર(વિશાખાપટ્ટનમ)થી આવેલા સીતાકલ્યાણીજી, સ્થાપકો ભોગીભાઈ ઠાકરના પરિવારમાંથી આવેલા દીપભાઈ મહેતા, સવિતાબહેન ત્રિવેદીના પરિવારમાંથી આવેલા મારુતિભાઈ ત્રિવેદીનું સન્માન કર્યું. અને વજુભાઈ દવેના ઈ-પુસ્તકોનું વિમોચન આશાબેન રાવળ દ્વારા કરવામાં આવ્યું. તે પછી શારદામંદિરના સ્થાપકો અને તેમના આધ્યાત્મિક અનુસંધાન વિશે તેમજ શાળાની ભાવિ યોજનાઓ વિશે હાલના ટ્રસ્ટીઓ, રૂપલબેન મહેતા તથા ઉદયનભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન દીપાલીબેન વસા-  જહાંનારા દ્વારા કરવામાં આવ્યું હતું. આખોય કાર્યક્રમ ફેસબુક પર 'લાઈવ' કરવામાં આવ્યો હતો અને દેશ-વિદેશમાં વસતા સેંકડોં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવુક બની ગયાં હતાં.

કાર્યક્રમને અંતે, પ્રસ્થાન કરતા પહેલા વર્ગે વર્ગે ફરીને મહેમાનોએ, વર્તમાન વિદ્યાર્થીઓએ ૧૦૦ વર્ષની 'થીમ' અંતર્ગત, કરેલી પ્રશંસનીય રંગોળીઓ નિહાળી હતી.

આપ સૌના સહકાર અને સહયોગ બદલ આભાર. શારદામંદિર પરિવાર.

Thank you for your cooperation and support. Shardamandir Parivar.

સૌને શુભકામનાઓ... 

 

 

તા.૭-ઓગસ્ટ-૨૦૨૩: ઇસ્વી સન 1924 ની શ્રાવણ સુદ સાતમ ની તારીખ 7 ઓગષ્ટ અને ગુરુવાર હતો. આજે યોગાનુયોગ 7મી ઓગષ્ટે શારદા મંદિર શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરે છે, તે પ્રસંગે શાળાના સ્થાપક પૂ. ભોગીભાઈના નિવાસ સ્થાન (અત્યારનું બાલમંદિર) માં શાળાના સ્થાપક પૂ. સવિતાબેન નાં કુટુંબીજન શ્રી મારુતિ ભાઈ (ઉંમર વર્ષ 90+) ના હસ્તે દિપ પ્રાગટ્ય નો કાર્યક્રમ કરીને શતાબ્દી પ્રવેશનો શુભારંભ કર્યો.

બાળરથ શા માટે

શારદા'મંદિર’માં પૂજા બાળકની થાય છે અને પહેલેથી જ, કેન્દ્રસ્થાને વિદ્યાર્થી છે.

દર વર્ષે, જે-તે સમયના વિદ્યાર્થીઓના રથ, શાળા દ્વારા તૈયાર કરવામાં આવે છે. શાળાના પ્રતિનિધિ તેને વિધિવત તિલક કરીને વધાવે છે.

આ પ્રથા (એકસો વર્ષથી!) શાળાના સ્થાપના દિવસથી ચાલુ છે અને  દર વર્ષે અચૂક, અનેરા ઉત્સાહ સાથે શાળાના સર્વ કોઈ એમાં ભાગ લે છે. બાળરથ પર ઊભેલો બાળરથી સ્મિત વેરતો, સૌનું અભિવાદન ઝીલતો જાય છે.

બાળરથ એ પ્રતીક છે. 

પ્રતીક

  • બાળરથી: રથ પર મક્કમ ઊભેલો બાળરથી આદર્શ વિદ્યાર્થીનું પ્રતીક છે.
  • બાળરથ: રથ, એ જીવનનું પ્રતીક છે, અને જીવન તે ખુદ વિદ્યાર્થીનું જીવન છે. જેમાં તેણે હિંમતભેર પ્રગતિ કરવાની છે.
  • ઘોડા: રથના ઘોડા, એટલે આનંદ, ઉત્સાહ, ખુમારી, સદગુણ, અને સંસ્કાર, જે વિદ્યાર્થીએ શાળામાંથી મેળવ્યા છે.
  • પૂજન: પૂજન અને તિલક એ શુભેચ્છા અને ગુરુજનો તથા વડીલોના આશીર્વાદના પ્રતીક છે.
  • અભિવાદન: અભિવાદન એ દેશ-પરદેશ ચોમેર, મિત્રતા અને સંસ્કાર પ્રસરાવવાનું પ્રતીક છે.
  • ચાલ: રથ સાથે આગળ વધતો બાળરથી એ પ્રગતિનું પ્રતીક છે.
  • સ્વાગત: શાળા પરિવાર તરફથી સ્વાગત, એ સમાજ દ્વારા આવકારનું પ્રતીક છે.

 

આમ સ્થાપનાદિનનો બાળરથી, એટલે - મા શારદાના ખોળે સંસ્કારોનું સિંચન પામેલો શારદામંદિરનો દરેક વિદ્યાર્થી, જે જીવનસંગ્રામમાં એકચિત્તે, સ્વસ્થ રહીને સમાજને માનવતાથી ભરી દે અને પ્રગતિપંથે આગળ વધે.

 

ત્રણ બાળરથ શા માટે

ત્રણ બાળરથ, એ શારદામંદિરના ભૂતકાળનાં, વર્તમાનનાં અને ભવિષ્યનાં વિદ્યાર્થીઓનાં પ્રતીક છે.

  • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
  • વર્તમાન વિદ્યાર્થીઓ
  • ભાવિ વિદ્યાર્થીઓ

 

શારદામંદિરનું સદા એ જ ધ્યેય રહ્યું છે કે અહીં ભણેલા વિદ્યાર્થીઓ સમાજમાં ઉત્તમ નાગરિકો બની રહે.

 

બાળરથ - એ શારદામંદિરની મહત્ત્વની પ્રવૃત્તિ છે.

 

Baalrath is a Signature Activity of Shardamandir.