Literature Fair

0 Comments

અહેવાલ: સાહિત્યોત્સવ.  તા.૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૩

 

‘શતાબ્દી વર્ષ’ - આ શબ્દ જ કેટલો રોમહર્ષણ છે! દેશને આઝાદી મળી તે પહેલાં ૧૯૨૪માં અમદાવાદના પાલડીમાં શારદામંદિર સંસ્થાનાં બીજ વવાયાં. સંસ્થાના પાયાના નિષ્કામ ભાવનાવાળા કર્મીઓ - મુ.શ્રી ભોગીભાઈ ઠાકર, મુ. ચંદુભાઈ દવે અને મુ. સવિતબેન ત્રિવેદીએ પૂજ્ય ગાંધીજીની પ્રેરણા અને મેડમ મોન્ટેસરીના સિધ્ધાંતને અનુસરીને આ શળાનો પિંડ બાંધ્યો, ઘડ્યો અને કેળવ્યો.

શિક્ષણ ક્ષેત્રના ભીષ્મપિતામહ મુ.નાનાભાઈ ભટ્ટ અને મુ.ગિજુભાઈ બધેકાના સાનિધ્યના રંગે રંગાઈને આવેલા મુ.વજુભાઈ દવેએ અમદાવાદ ખાતે શારદામંદિરમાં ભાર વગરના ભણતર અને પ્રવૃત્તિમય કેળવણીની ખાતાવહીમાં ખાતું ખોલાવ્યું. સર્વાંગી વિકાસનો મુદ્દો આઝાદીની ચળવળના માહોલમાં ખીલ્યો. દેશદાઝ, સ્વદેશી, શહીદી, પત્રિકાઓ જેવા શબ્દોથી દેશનો દેહ સંપૂર્ણ રીતે રંગાયેલો હતો, તેમાં શારદામંદિરના આત્માના ઘડતરમાં પ્રવાસ, પ્રભાતફેરી, સ્વયંપાક, સાંસ્કૃતિક અને ઈતર પ્રવૃત્તિઓએ બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો નોંધાવ્યો.

આ સ્થળે અને ક્ષણે નૂતનવારિના વહેણમાં પગ બોળવાનું મન થાય એવી એક ઋષિતુલ્ય માનવ પ્રતિભાનું સ્મરણ કરીએ. શારદામંદિર માટે ‘શાળા સ્થાપો’ની પ્રેરણા આપનારા પૂજ્ય જ્ઞાનાનંદજી સ્વામીજીનો ઉલ્લેખ કરવો ઘટે. કદાચ એમના આશિષથી અને પૂર્વ આચાર્યો તથા શિક્ષકોના શિક્ષણયજ્ઞની ધૂમસેરની ચિરંજીવ અસરથી જ આ શાળા વિકાસોન્મુખ બની.

મુ. દિનુભાઈના વડપણ હેઠળ પણ શાળા આગેકૂચ કરતી રહી. આજે શારદામંદિર સો વર્ષ પૂરાં કરવા જઈ રહી છે ત્યારે વર્તમાન શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વહીવટી વિભાગના કર્મીઓ અને ટ્રસ્ટીઓ એક ફૂટ બનીને ઉત્સવમાં પ્રાણ પૂરી રહ્યા છે.

‘સાહિત્યોત્સવ’ના આરંભે ‘અસ્મિત ભીંતપત્ર’ના પ્રકલ્પનો સંકલ્પ લેવાયો. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાની અનેક સાહિત્યકૃતિઓનો સંચય વિદ્યાર્થીઓએ કર્યો. તેમની સ્વસર્જિત કૃતિઓ પણ શણગાર સજીને આવી. સૌના સહકારથી આ કૃતિઓ શાળાના પ્રાંગણમાં બંધાયેલા મંડપની દિવાલો ઉપર ગોઠવાઈ અને દીવાલોને અનેરુ વ્યક્તિત્વ તથા સ્વરૂપ પ્રાપ્ત થયાં.

આગામી શ્રાવણ સુદ સાતમે સો વર્ષ પૂરાં થશે એની શરણાઈ અને એના નગારાની વાટ સૌ જોઈ રહ્યા છે. સાહિત્યોત્સવ કેવો રહ્યો? ચાલો, માણીએ!

શારદામંદિરના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એની ખુશીમાં યોજાયેલ વાર્ષિક કાર્યક્રમોની સૂચિમાં ડિસેમ્બર-૨૦૨૩ની પહેલી અને બીજી તારીખે જે સાહિત્યોત્સવ યોજાયો તેની તવારિખ આ પ્રમાણે હતી.

પહેલી તારીખે બપોરે શારદામંદિરના પ્રાંગણમાં ઉત્સવના આરંભે ભૂતપૂર્વ વિદ્યાર્થી હિલ્પન શાહે શાળામાં હંમેશ ગવાતી પ્રાર્થના ‘ૐ તત્સત્....'નું ગાન કર્યું, ત્યારબાદ સંગીત શિક્ષિકા નિશાબહેન છાટબારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ શારદા સ્તુતિ રજૂ કરી.

‘શારદા.... વરદાયિની’ બાળકોના કરકમળ થકી દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું કારણ કે શાળાના કેન્દ્રસ્થાને તો બાળક જ છે ને!

અંગ્રેજી માધ્યમની શાળા શારદામંદિર મોડર્ન સ્કૂલના આચાર્ય સાકેતભાઈ દવેએ અનુરૂપ માહિતી આપી. શાળાના પૂર્વ સંગીતશિક્ષકો શ્રી મણિભાઈ, શ્રી રમણભાઈ દવે, શ્રી પ્રતિમાબહેનને અંજલિ આપવાની સાથે, શાળાના સંગીત અને સાહિત્યના ડિજિટલાઈઝેશનને QR કોડના ઉપયોગથી કઈ રીતે માણી શકાય, એની સમજૂતી તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અતિથિઓને આપી.

આ થઈ શુભ શરૂઆત સાહિત્યોત્સવની. સૌ પ્રથમ શાળાના પ્રત્યેક વિભાગમાંથી ચૂંટાયેલા બાળકોએ ‘હું સાહિત્યસર્જક છું,’ એ ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનમાં ભાગ લઈ સાહિત્યકારોનો પરિચય અલગ જ અંદાજમાં આપ્યો. વ્યાખ્યાતા અને સાહિત્યકાર દમયંતીબેન શુક્લ અને નૃત્યકાર તથા ગુરુ ચારૂગીતાબેન શુકલે નિર્ણાયકોની ભૂમિકા નિભાવી. ત્રણ બાળકોને વિજેતા ઘોષિત કર્યા. ચૌહાણ અવની ‘મીરાંબાઈ’ તરીકે, હર્ષ સોંધરવા ‘કલાપી’ તરીકે અને આદિત્ય જયદત્ત ‘ચેતન ભગત’ તરીકે પ્રભાવી રહ્યા.

વનિતાબેન પટેલનું સંચાલન સુયોગ્ય રહ્યું. બપોરની સાથે સાથે કાર્યક્રમો પણ જામતા જતા હતાં.

આગળના સોપાને શાળા પરિસરમાં બે સ્થળે સમાંતરે ‘વાર્તા રે વાર્તા’નું આયોજન કરવામાં આવ્યું. શાળાના પ્રાંગણમાં છ થી બાર ધોરણના બાળકોને ભૂતપૂર્વ શિક્ષિકા અને લેખિકા સુધાબેન ભટ્ટે બાળકોના સાથ સહકારથી વાર્તા કહી. ભૂતપૂર્વ વિદ્યાર્થિની નેહા મહેતાએ એનું સુસંચાલન કર્યું.

તે જ સમયે, નાના પ્રાર્થના મંદિરમાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓને લઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને લેખિકા અનુરાધાબેન દેરાસરીએ સંવાદ શૈલી સહ વાર્તાકથન કર્યું, જેનું સંચાલન શાળાના શિક્ષિકા રોમાબેને કર્યું.

સાંજ તરફ ઢળતા સમયગાળે પ્રાંગણમાં જાણીતા વાર્તાકાર રામ મોરીએ વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ સહિત સ્વાનુભવના જીવન પ્રસંગોના ઉદાહરણો ટાંકી બાળકોને શિક્ષણ તરફ વળવાના અનેક માર્ગો ચીંધ્યા. છ થી બાર વર્ષના વિદ્યાર્થીઓ માટે એ સુ-અવસર હતો.

સમાંતરે નાના પ્રાર્થના મંદિરમાં ધોરણ એક થી પાંચના ભૂલકાંઓને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા, ગુજરાતી સબટાઈટલ સાથે બનાવાયેલી પચાસેક મિનિટની બાળફિલ્મ બતાવાઈ. જે વિશિષ્ટ ધ્રુવીય પક્ષી પેંગ્વિનના જીવન અંગે ડોક્યુમેન્ટરી -માહિતી હતી. ફિલ્મનું શીર્ષક હતું, ‘પ્લેનેટ અર્થ - પોલ ટુ પોલ’ પ્રકૃતિના તત્ત્વોથી અવગત થવું બાળકોને ગમ્યું.

સાહિત્યોત્સવના પ્રથમ દિવસના અંતે સંધ્યાકાળે અર્ચન ત્રિવેદીના નાટક ‘વાતનું વતેસર’નું મંચ થયું. સંકુલમાં દરેક વિભાગના બાળકો અને કર્મીઓએ ભેગા થઈ હળવી શૈલીમાં રજૂ થયેલું એ નાટક માણ્યું. તબિયતની બાબત આમ તો ગંભીર કહેવાય પરંતુ એને કેવી રીતે રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવી એ લેખિકા જિગીષા ત્રિવેદીએ સુપેરે સંવાદો દ્વારા મૂકી આપ્યું. ત્રિવેદી દંપતી ઉપરાંત વરિષ્ઠ નાટ્યકલાકાર નલિનભાઈ રાવલે પણ મંચ ગજવીને સૌની પોતાના કરી દીધા.

બીજી ડિસેમ્બર-૨૦૨૩નું પ્રભાત ખીલ્યું અને બાળકો તથા મુરબ્બીઓ સમયસર શાળાએ આવી પહોંચ્યા. આજકાલ સૌના રસનો વિષય છે. ‘આપણા દેશની અવકાર ક્ષેત્રે છલાંગ.’ ચન્દ્રયાન એક, બે અને ત્રણ તથા આદિત્ય એલ-૧ની કામગીરી અને સફળતા વિશે ઈસરોના નિવૃત્ત વિજ્ઞાની અને ઈજનેર ચિંતન ભટ્ટે રસાળ શૈલીમાં સૌને સમજાય એવી ભાષામાં નક્કર માહિતી આપી.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા વાલીઓએ એની ચર્ચામાં રસપૂર્વક ભાગ લીધો અને મનમાં ઉગતા પ્રશ્નોના નિરાકરણ અર્થે ચિંતનભાઈએ પૂરા પ્રયત્નો થકી તેમની ઉત્સુકતાને વધાવી. પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ પટેલે વક્તાનો પરિચય આપ્યો.

સભાનો દોર આગળ વધ્યો અને શારદામંદિર પ્રાંગણના ભૂતપૂર્વ વિદ્યાર્થિની પાર્થિવી અધ્યારૂએ સંસ્કાર ભાષા સંસ્કૃતનું મહત્વ દર્શાવતી પ્રવૃત્તિઓ કરાવી. બાળકોને પ્રાચીન ભાષા સંસ્કૃતમાં રસ લેતા કરવાનો એ સન્નિષ્ઠ પ્રયાસ અને અભિગમ હતો. શ્લોક ગાન અને જાપથી ઉત્પન્ન થતા નાદબ્રહ્મનું મહત્વ તેમણે ઉદાહરણ આપી સમજાવ્યું. બાળકોએ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સંસ્કૃત ભાષા અઘરી છે એવો ભ્રમ ભાંગી એને અપનાવીએ તો આપણી એ દૈવી ભાષા આપણને ઘણું જ્ઞાન આપે એ એનો હેતુ હતો. તે ‘શ્લોકાવલિ’ કાર્યક્રમનું સંચાલન સુધાબેન ભટ્ટે કર્યું.

સમાંતરે નાના પ્રાર્થનામંદિરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને જાણીતા ગાયિકા હેતલ રાવલે શારદામંદિરમાં ગવાતા ગીતોની લ્હાણી નાના બાળકો સંગ કરી. ‘મારા પ્રભુજી નાના છે’ ‘દિવાળીની છૂટ્ટી’ ‘હવામાં આજ વહે છે’ જેવા ગીતો પુનઃ સજીવન થયા.

રસપ્રદ કાર્યક્રમોનો માહોલ હતો, તો, સાહિત્ય સાથે વિજ્ઞાન અને કળાનો સુંદર સુભગ સંયોગ પણ હતો જ. ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે શાળાના પ્રાંગણમાં સન્નિષ્ઠ કલાકાર નયનાબેન સોપારકરે કલા સંવાદનો આરંભ કર્યો. હા, આગલે દિવસે એમણે વિદ્યાર્થીઓના મોટા સમૂહને નાનકડા ક્રાફ્ટનું નિદર્શન આપી સરસ મજાનાં કાગળનાં ‘હૃદય’ આકારના નમૂનાઓ બનાવડાવી, ક્યારીઓમાં રોપાવડાવ્યાં હતાં, જે રંગબેરંગી ઉદ્યાન જેવા ભાસતાં હતાં. હા, નગીનભાઈ ધોળકિયાએ પૂર્વ સૂચના આપી બાળકોને આ પ્રકલ્પનાં પ્રવૃત્ત કર્યા જેને બાળકોએ ધ્યાનથી સાંભળીને સમલમાં મુક્યાનો સંકલ્પ કૃયો. નયનાબેને સ્લાઈડની મદદથી સમજણ આપી.

એ જ સમયે નાના પ્રાર્થનામંદિરમાં ધોરણ એક થી પાંચના બાળકોને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની મોનાબેન શોધને વિશ્વવિખ્યાત જાપાનીઝ આર્ટ ‘ઓરિગામી’નો સક્રિય પરિચય આપ્યો. સ્વયમ્ નિદર્શ આપી એમણે બાળકો પાસે કાગળની કરામત કરાવડાવી, ત્યારે બાળકોમાં પોતે પણ આવું કરી શકે એવો આત્મવિશ્વાસ જન્મ્યો. ટોપી, ઝુમ્મર, ટેબલ લેમ્પ ઈત્યાદિ બનાવવા એમને ખૂબ ગમ્યાં. મનીષભાઈએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું.

ધોરણ એક થી બારના દરેક વિદ્યાર્થીઓને મન માતૃભાષાનું મહત્વ કેવું હોવું જોઈએ અને એમાં રસ કેવી રીતે વિકસાવવો જોઈએ એની સરળ અને હસતાં રમતાં શીખવાની યુક્તિવાળી એક ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું. સુધાબેન ભટ્ટ અને પાર્થિવી અધ્યારૂએ ‘ક કક્કાનો ક' નામનો ગુજરાતી ગેમ શો તૈયાર કર્યો છે, એની ઝલક ઉપસ્થિત પ્રેક્ષકોને મળી. વિદ્યાર્થીને રસ પડે એવા પ્રશ્નોનો દોર ત્રણ ટીમ વચ્ચે ચાલ્યો. નિશ્ચિત સમયમાં અપાયેલા સાચા જવાબને જ ગુણ મળે એ નિયમ સહિત બાળકોએ એમાં ઉમંગભેર ભાગ લીધો. ‘ત્ર’ ઉપરથી બનતા શબ્દો, કહેવતનો યોગ્ય ઉપયોગ અને અર્થ, ઝડપથી શબ્દોના અર્થ આપવા એવી પ્રશ્નોત્તરીને બાળકો અને ભાવકોએ - સૌએ વધાવી. ગુજરાતી ભાષાનું જ્ઞાન અને તેનું મહત્વ વધારવા આવી હળવી રમતો બાળકોને રમતાં રમતાં શીખવા માટેનું એક ઉત્તમ સાધન છે એવું બંને સંચાલકોએ વિશ્વાસપૂર્વક કહ્યું. ઉદઘોષક તરીકે વનિતાબેન પટેલનો અદ્ભુત સહકાર સાંપડ્યો.

શબ્દરમત પછી ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી મદદરૂપ થાય એવો એક પરિસંવાદ છ થી બારના વિદ્યાર્થીઓ સારુ પ્રાંગણમાં યોજાયો. સાહિત્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સૂચનો સહ ભૂતપૂર્વ વિદ્યાર્થિની આર.જે. પૂજા અને જી.એલ.એફ.ના કાર્યવાહક જુમાનાબેન ઉપસ્થિત રહ્યાં. ‘મોડર્ન એજ કેરિયર'ના શીર્ષક હેઠળ એમણે મુક્તમને સૂચનો સહિત માર્ગદર્શન પણ આપ્યું. વિદ્યાર્થીઓએ ધ્યાનથી એમની વાત કાને ધરી અને પોતાના ભાવિ અંગે તેઓ વિચાર કરતા થયા. બંનેએ સહિયારા અભિપ્રાય આપી કહ્યું કે બાળકોએ વાંચવું જોઈએ - ખાસ કરીને વર્તમાનપત્ર.

બપોર થતાં જ - ભોજન વિરામ પછી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉત્પલ ભટ્ટે નવી શિક્ષણનીતિ ઉપર પ્રકાશ પાડી, સ્વાનુભવના આધારે વિદ્યાર્થીએ આ અંગે કેવી નીતિ રાખવી જોઈએ એનાં કેટલાક વિનમ્ર સૂચનો ઉદાહરણ સહિત આપ્યાં. ઉદ્ઘોષક પાર્થિવી અધ્યારૂએ કહ્યા મુજબ ઉત્પલભાઈ ‘લોકપાલ’ની પદવી પામ્યા છે. એની પાછળ સન્નિષ્ઠ સવિસ્તાર અભ્યાસ અને એક શિક્ષક તરીકે ઉત્પલભાઈના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. નવી શિક્ષણનીતિ સાથે ગામડામાં જાગૃતિ ફેલાવવાનું કામ તેઓ આદિવાસીઓના સમૂહમાં કરે છે. વિદ્યાર્થી ભાવિ કારકિર્દી માટે સજાગ રહે તેવી આવડત દરેક પાસે હોવી જોઈએ. ગ્રામ્ય બાળક પરદેશ ભણવા જાય અને શહેરી બાળક ખેતીવાડીમાં નિષ્ણાત બની જાય – છે ને કમાલની વાત!

એ જ સમયે નાના પ્રાર્થનામંદિરમાં શારદામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને સર્જક યામિનીબહેન પટેલે વાર્તા સર્જનની કળા વિશે વિદ્યાર્થીઓને ઉદાહરણ સહિત માહિતી આપી અને વિષય આપીને એમણે બાળકોને વાર્તા રચવાની પ્રેરણા આપી. એક વાર્તાનાયક એના જીવનમાં કઈ રીતે આગળ વધે તેના અનેક સૂચનો હોઈ શકે. આથી એક વિષય - અનેક વિચારો - એવી પ્રેરણા યામિનીબહેને આપી.

બપોરની ચા ટાણે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને ફિલ્મ નિર્માત્રી અદિતિ ઠાકોરે વિદ્યાર્થીઓને સિનેમા સર્જનની પ્રક્રિયા વિશે જાણકારી આપી. ફિલ્મના તમામ પાસા સાથે તેઓ જોડાયેલા છે. લેખક, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ લેખક - દરેક વિશે માહિતી આપી. દૃશ્ય કેવી રીતે બદલી નાંખવું એની યુક્તિ સમજાવી. એક જ સ્થળ (લોકેશન) ના વિવિધ ઉપયોગ કરી, કઈ રીતે કરકસર કરી કળાપ્રતિ બનાવી તેની રીત બતાવી. સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ આધુનિક સમયમાં કેવી રીતે થાય છે તે પણ સમજાવ્યું. સાકેતભાઈ દવેએ પૂર્વ પ્રસ્તાવના બાંધી હતી.

આર.જે. પૂજાએ ઉદઘોષણા કરી અને આના પછીની બેઠક અંગે પ્રાથમિક માહિતી આપી. ‘રૂડી ગુજરાતી વાણી - રાણીનો વકીલ’ પેનલ ડિસ્કશનમાં ઉપસ્થિત રહ્યા - જી.એલ.એફ.ના શ્યામ પારેખ, વકીલ અને સગીતકાર અમર ભટ્ટ, સાહિત્યકાર રાજેન્દ્ર પટેલ અને વકીલ અર્ચિત જાની. તેમણે છ થી બાર ધોરણના શિષ્યો સમક્ષ ચર્ચા કરી. આ ચર્ચા ગુજરાતી ભાષાનું ગૌરવ કરવા અને કવિ દલપતરામનું વાક્ય ‘ગુજરાતી વાણી રાણીનો વકીલ’ સિધ્ધ કરવા માટેની હતી. ગુજરાતની દરેક મીડિયમની શાળાઓમા ગુજરાતી ભાષા દાખલ કરીને શીખવવા માટેની તેમની લડત વિશેની વાત હતી. ગુજરાતી ભાષાની સમૃદ્ધિને યથાવત તો રાખીએ પણ એને વધારવાનોય પ્રયત્ન કરીએ એ સૂર એમાંથી નીકળ્યો. રસિકો એને ઝીલીને સ્વયમ્ પ્રવૃત્ત થાય એવી અપેક્ષા.

સખી આંગેનો શીતળ સમીર વાયો અને અનોખો ત્રિવેણી સંગમ રચાયો શારદામંદિરના પાવન પ્રાંગણમાં. આ એ જ ભૂમિ છે જ્યાંથી અનેક મહારથીઓએ કાઠું કાઢ્યું અને અનેક વિભૂતિઓની ચરણરજ અહીં પડી. ‘ક કાળજીનો ક' વિષય પર પીઢ લેખક અને કવિ શ્રી તુષાર શુક્લએ મન ખોલ્યું અને મા ગુર્જરીની જાણે કે આરાધના કરી! માતૃભાષાનું મહત્ત્વ ઝાઝેરુ છે જીવનમાં. તેને હૈયે ધરીને બાળકના વિકાસની કેડી માતા-પિતા અને શિક્ષકો કંડારે એવી અભિલાષા એમણે વ્યક્ત કરી. પોતાના બાળપણનાં કેટલાંક સંસ્મરણો ઉદાહરણ રૂપે રજૂ કરી સૌમ્ય અને ધૈર્યપૂર્ણ શૈલીને વહેતી કરી. સાકેત દવેએ પરિચય આપ્યો તેની પુષ્ટિ થઈ એવી પ્રતીતિ સૌને થઈ.

છ થી બાર ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ સૌમિલ શાહ ‘સાયન્સ ફિક્શન’ની રસપ્રદ વાતોને લઈ આવ્યા, જેમાં શ્યામ પારેખ પણ જોડાયા. જુમાના બહેનની પ્રસ્તાવનાથી જ ખ્યાલ આવી ગયો કે જીવનની વાસ્તવિકતાઓ સાથે વિજ્ઞાનની કાલ્પનિક વાતો કેટલી સંલગ્ન હોઈ શકે. વિજ્ઞાનની કાલ્પનિક કથાઓ, કલ્પનાઓ આજે મૂર્ત સ્વરૂપ પામી શકી છે, એવી કેટલીક નક્કર વાતો સૌમિલભાઈએ ગંભીરતાપૂર્વક છ થી બાર ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાંગણમાં કરી. એ સંવાદમાં વિદ્યાર્થીઓએ ખૂબ રસ લીધો અને તેમના તરફથી અનેક પ્રશ્નો પણ આવ્યા, જોકે સમયનો અભાવ નડ્યો.

બંને દિવસે સવા૨-બપોર-સાંજ મોડર્ન સ્કૂલના પ્રાર્થના ખંડમાં શ્રી રામચંદ્ર મિશન દ્વારા યોગ અને ધ્યાનના ‘હાર્ટફુલનેસ’ના આયોજન ચાલ્યા, જેને પ્રોત્સાહક સહકાર સાંપડ્યો.

બીજા દિવસના સોળમાં અધ્યાય તરફ વળીએ તો મધુરેણ સમાપયેત સમાન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. પ્રશાંત ભીમાણીની ‘વાત મનની' રજૂ તો થઈ પણ જાણે કે અધૂરી રહી ગઈ! સમયના માપદંડને ધ્યાને લઈને પ્રશાંતભાઈએ ટૂંકમાં મનની વાત કહી જે રસિકોને ‘ગાગરમાં સાગર' જેવી લાગી.

માનસશાસ્ત્રીય તજજ્ઞ જ્યારે અંગત મિત્ર સમ બનીને વાત કરે ત્યારે ‘ડૉક્ટર’નો ‘હાઉ’ પોબારા ગણી જાય. જુદી જુદી સમસ્યા લઈને આવનારા દર્દીઓના હમદર્દ બની એમણે ઘણાં કિસ્સામાં રોગીને ક્યાંતો રોગમુક્ત કર્યા છે ક્યાંતો એવું કાઉન્સેલિંગ કરી એનામાં આત્મવિશ્વાસ ઊભો કરી એને રોજિંદા જીવનમાં રસ લેતા કર્યા છે કે જે હવે ભૂતકાળ ભૂલીને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

શારદામંદિરની ધરતીમાંથી આવાં કંઈક રત્નો જન્મ્યાં છે જે દેશભરમાં અને વિદેશમાં નોખા નોખા ક્ષેત્રોમાં પ્રવૃત્ત છે અને ઉંચાઈએ બિરાજ્યાં છે. આ દ્વિદિવસીય યાત્રા અંતે મુંબઈના નાટ્ય દિગ્દર્શક મનોજ શાહનું નાટક ‘અદ્ભુત’ પ્રસ્તુત થયું, જેમાં સીમિત સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામેલ હતાં. કેટલાક વાલીઓ પણ ઉપસ્થિત હતાં. શિક્ષણ જગતમાં પ્રવર્તતી સમસ્યાઓને કારણે અથવા અંગત જીવના કોયડાઓને ઉકેલવામાં નિષ્ફળતા મળી હોય એવા યુવાનો-યુવતીઓ માટે એનું આયોજન થયું હતું, જેમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની આર.જે. દેવકીએ મુખ્ય અને એકમાત્ર પાત્ર નિભાવ્યું હતું.

દ્વિદિવસીય સાહિત્યોત્સવના આયોજનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર અને સૌની સાથે રહેનાર આચાર્ય શ્રી વિજયભાઈ રાવલે ઉત્સવ સમાપનની ઘોષણા કરતા કહ્યું કે ‘બાળકો સાહિત્યમાં રસ લેતા થાય એ સારું, આવા કાર્યક્રમો શાળા સ્તરે થવા જ જોઈએ.’ વિજયભાઈએ સંમિલિત સૌનો આભાર માની, એમને શુભકામનાઓ આપી ફરી ભેગા થવાની આશા વ્યક્ત કરી હતી.

આવાં સર્જનશીલ અને પરિણામલક્ષી સાહિત્ય ઉત્સવો પ્રત્યેક વર્ષે યોજાતાં રહે, એવી આશા, અપેક્ષા અને આકાંક્ષા સાથે સૌ ઘર ભણી ચાલી નીકળ્યા.

 

- સુધાબેન ભટ્ટ (ભૂતપૂર્વ શિક્ષિકા)